સ્મરણનું વળગણ

Life cannot go on without much forgetting.- Balzac

ઝાઝું ભૂલ્યા વગર જિંદગી આગળ વધી શકતી નથી.-  નવલકથાકાર બાલ્ઝાકે એના જીવન દરમિયાન વિપુલ સાહિત્યનું સર્જન કર્યું. એની નવલકથાઓમાં ઠેર ઠેર આવાં ચિંતનાત્મક વાક્યો મળી આવે છે. ચિંતનપ્રેરક નવલકથાઓમાં કલાત્મક ઊંડાણ હોય છે તેથી તે ક્યારેય અપ્રસ્તુત બનતી નથી. એને ફરી ફરી વાંચવાનું મન થયા કરે છે. સ્મૃતિ અને વિસ્મૃતિ બંને જરૂરી છે. જીવનનાં પ્રવેશદ્વાર પર ચીપકાવેલાં એ ‘લાભ-શુભ’ના સ્ટિકર્સ છે. બંને પાસપાસે છે તો પણ જુદા છે. બંને એકબીજાથી અલગ ઊઘડી શકે છે અને બંધ થઇ શકે છે. પણ દ્વારનું સંપૂર્ણ ઊઘડવું તો એ બંને સાથે ઊઘડે ત્યારે જ શક્ય બને છે. સ્મૃતિ ધારદાર હોય તે વરદાન છે પણ ભૂલતા ન આવડતું હોય તો સ્મૃતિ અભિશાપ બની શકે છે. રમેશ પારેખની પંક્તિઓ છે, ‘બની જાઉં છું લોહીલુહાણ હું, સ્મૃતિનેય કેવી અણી હોય છે.’ સ્મૃતિના પટારામાં અનેક ઘટનાઓ અને પ્રસંગો એકત્રિત થતાં રહે છે. ક્યારેક પટારાનું ઢાંકણ ઊઘડે છે ને કોઇ ઘટનાનું સ્મરણ ઘેરી વળે છે. ક્યારેક કોઇ પ્રસંગનું સ્મરણ મધુર હોય છે તો ક્યારેક કડવું અને દુ:ખદાયક. પણ જીવનમાં અનેક વણલખી શર્તની જેમ અહીં પણ એક શર્ત છે. જે દુ:ખદાયક અને નકામું છે તેને જેટલું ઝડપથી વિસારે પાડી શકાય એટલી જ ત્વરિત ગતિએ જે આનંદપ્રદ અને ઉપયોગી છે તેને યાદ રાખવાની ક્ષમતા વધી જતી હોય છે. એક કર્મચારીએ પોતાના અધિકારીને ખોટું કરવામાં સહકાર આપવાની સ્પષ્ટ ના કહી દીધી. અધિકારીનો અહમ ઘવાયો. કર્મચારીને પરેશાન કરવાની એક પણ તક એમણે જતી ન કરી. દ્વેષનો ગુણાકાર થતો રહ્યો. વેરની આગ એમણે ભભૂકતી રાખી. અચાનક એક દિવસ અધિકારીને અકસ્માત નડ્યો. યોગાનુયોગ કર્મચારી પણ એમની સાથે હતો. એ એમને તાત્કાલિક હોસ્પિટલ લઇ ગયો. લોહીની જરૂર પડી ત્યારે એણે અધિકારીને રક્તદાન કર્યું. અધિકારી બચી ગયા. સ્વસ્થ થયા પછી અધિકારીએ કર્મચારીને પૂછ્યું, ‘મેં તને ત્રણ વાર મેમો આપ્યો. તારો સી.આર. સારો ન લખ્યો તો પણ તું મને હોસ્પિટલ લઇ ગયો? એટલું જ નહીં,પણ તેં મને તારું લોહી પણ આપ્યું. ’તમે શું કર્યું તે મને ત્યારે પણ યાદ ન હતું ને આ ક્ષણે પણ યાદ નથી.’ ‘કેમ, તું માણસ નથી?’‘માણસ છું માટે જ આવું બધું ભૂલી જાઉં તેવા પ્રયત્ન કરું છું….’ કર્મચારીને કહ્યું, ‘સાહેબ, મધમાખી કરડે ત્યારે આપણે એનો ડંખ કાઢી નાખીએ છીએ. તેમ ન કરીએ તો સોજો ચડે અને પીડા થયા કરે.’ અણગમતી ઘટનાનું સ્મરણ વળગણ બની જાય તે પહેલાં એને ભૂલી જવાય તો જીવનનું વહેણ એકધારું રહી શકે છે. બોજરૂપ બનેલાં બનાવોનો બોજ ઊંચકીને ચાલતા રહેવાથી જીવનની ગતિ ધીમી પડી જાય છે. ક્યારેક જીવવાનો થાક લાગે છે ને હાંફી જવાય છે. આ લેખના અંતે એક ઉર્દૂ શાયર ‘સાગર ‘નો એક શેર મૂકવાનું મન થાય છે. યાદે-ગરીબ જુર્મ થી કુફ્ર થી દીને હુસ્ન મેં, અબ હૈ ક્યૂં સફાઇયાં ખૂબ કિયા ભૂલા દિયા. સૌંદર્યની બાબતમાં ગરીબની યાદ એક ગુનો ગણાય, કુફ્ર(નાસ્તિકતા) ગણાય. હવે એનો ખુલાસો રહેવા દો ને, તમે ભૂલી ગયા તે ઘણું સારું કર્યું, બસ.

kalash@guj.bhaskarnet.com અક્ષયપાત્ર,

 બકુલ દવે

By pareejat